Connect Gujarat
ગુજરાત

પાટણ : સર્વ શિક્ષા અભિયાનના બે કર્મચારીઓ 40 હજારની લાંચ લેતાં ઝડપાયાં

કોન્ટ્રાકટરનું બિલ મંજુર કરાવવા માંગી હતી લાંચ, બે વર્ષમાં કોન્ટ્રાકટર પાસેથી ચાર લાખ રૂપિયા પડાવ્યાં.

X

શિક્ષણ વિભાગમાં બદલી કૌભાંડના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગમાં જ સર્વ શિક્ષા અભિયાનના બે કર્મચારીઓ કોન્ટ્રાકટર પાસેથી 40 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયાં છે.

પાટણમાં સર્વ શિક્ષા અભિયાનમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા ડિસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર વિપુલ પટેલ તેમજ ટેકનિકલ રીસોર્સ પર્સન વિનોદ ગોર 40 હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના છટકામાં આબાદ સપડાયાં છે. બન્ને કર્મચારીઓએ શંખેશ્વરમાં 2019 માં આપવામાં આવેલ હોસ્ટેલના કોન્ટ્રાક્ટમાં બિલની રકમમાં કોન્ટ્રાકટર પાસે એક ટકા રકમની માંગણી કરી હતી.

છેલ્લા બે વર્ષમાં કોન્ટ્રાક્ટર દ્વારા તબક્કાવાર બીલની રકમ માંથી અંદાજે ચાર લાખ રૂપિયા બંનેને ચુકવ્યાં હતાં. છેલ્લુ બિલ પાસ કરાવવા માટે બંનેએ કોન્ટ્રાકટર પાસે 65 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. રકઝકના અંતે 60 હજાર રૂપિયા નકકી કરાયાં હતાં જેમાંથી કોન્ટ્રાકટરે 20 હજાર રૂપિયા ચુકવી દીધાં હતાં. બંને લાંચિયા કર્મચારીઓને સબક શીખવાડવા માટે કોન્ટ્રાકટરે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો.

અમદાવાદ એસીબીની ટીમે છટકુ ગોઠવીને બંને લાંચિયા કર્મીઓને 40 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયાં હતાં. પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે આ ઘટના બાદ લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહયો છે.

Next Story