/connect-gujarat/media/post_banners/ce1b4358ffdca287ef912fb5b9057ef6240da6d8bfe7cfd6917f355133e6170b.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા અમીરપુરા ગામમાં કમર સુધી વરસાદી પાણી યથાવત રહેતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, સાતલપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં ઘોડાપૂર આવતા લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા નવા અમીરપુરા ગામમાં ગત દિવસોમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા પાણીનો ભરાવો થયો છે. 30થી વધુ મકાનમાં વરસાદી પાણી ફરી વળતા આખેઆખું ગામ બેટમાં ફેરવાયું છે. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ઠેઠ કમર સુધીના પાણી ભરાય રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણીના નિકાલ માટે છેલ્લા 2 વર્ષ કરતા વધારે સમયથી ગામના રહીશોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છે. પરંતુ આજ દિન સુધી નવા અમીરપુરા ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ થવા પામ્યો નથી. લોકોને પોતાના રોજીંદા જીવન જરૂરિયાત કામ અર્થે કમર સુધીના પાણીમાં ચાલીને જવા મજબૂર બન્યા છે.
તો બીજી તરફ, પાટણ જિલ્લાના રાધનપુર અને સાતલપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં પણ ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું હતું. બનાસ નદીમાં પાણીની ભારે આવક થતાં ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. આ તરફ, ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદના કારણે વધુ પાણી આવતા લોકો બનાસ નદીના પાણીમાંથી પોતના જીવના જોખમે દોરડું પકડીને નદી પસાર કરવા મજબૂર બન્યા છે. બનાસ નદીના ગ્રામ્ય વિસ્તારોમાં 8થી વધુ ગામોના લોકો માટે બનાસ નદીનો પુલ બનતો હોય, જેની કામગીરીના કારણે રસ્તો બંધ હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.