પાવાગઢમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા હાલાકી
નવરાત્રી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી
સ્ટ્રીટ લાઈટ રીપેર કરવામાં તંત્રની ઉદાસીનતા
યાત્રાળુઓમાં અકસ્માત સહિતનો ભય
નવરાત્રી પહેલા સ્ટ્રીટ લાઈટ શરૂ કરવાની માંગ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા યાત્રાળુઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.હવે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે વહેલી તકે સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માટેની માંગ ઉઠી છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે સમયાંતરે ઘણો બધો ફેરફાર કરીને યાત્રીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.પરંતુ તેમ છતાં તંત્રની ઉદાસીનતાને પરિણામે યાત્રાળુઓએ હાલાકી વેઠવી પડી રહી છે. ખુદાપીર દરગાહ પાસેથી ડુંગર તળેટીથી માંચી સુધીની સ્ટ્રીટ લાઇટ સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી હતી.પાવાગઢથી માંચી સુધીનો રસ્તો પણ વળાંક વાળો,રસ્તાઓ ઉપર પણ ખાડા પડેલા છે અને આજુબાજુ ખીણ છે.
જેને કારણે અકસ્માત થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત જંગલ વિસ્તાર હોવાથી ઘણીવાર જંગલી પ્રાણીઓ પણ રોડ ઉપરથી પસાર થતા હોય છે.ત્યારે યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે નવરાત્રી પર્વ પહેલા સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.