ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું ઝેરી દૂધ
ઝેરી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
સ્વાસ્થ્યને હાનિકારક દૂધ છૂટથી વેચાતું હતું
એલસીબી પોલીસે દરોડો પાડી કર્યો પર્દાફાશ
મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ ફરાર
સાબરકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરથી સફેદ પ્રવાહીને તૈયાર કરીને દૂધના નામે વેચાણ કરવામાં આવતું હતું.એલસીબીની ટીમે પ્રાંતિજના સલાલ ગામે દરોડો પાડીને આખાય રેકેટનો પર્દાફાશ કર્યો હતો,અને ચાર ગઠીયાઓની ધરપકડ હતી,જયારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સાબરકાંઠા-અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે,ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે,ત્યારે સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે પ્રાંતિજ તાલુકાના સલાલ રેલવે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેક્ટરીમાં હાનિકારક અને જન આરોગ્યને નુકસાન થાય તેવું નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસ તપાસમાં આરોગ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય તેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન-સોયાબીન તેલ, કપડા ધોવાનો ડિટરજન્ટ પાવડર અને ખેતી કરવામાં વપરાતા યુરીયાનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતુ. એલસીબીએ એફ.એસ.એલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી આ ખાનગી ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાં તપાસ દરમિયાન અધિકારીઓને અંદાજે રૂપિયા 71.29 લાખનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ખાનગી ડેરીમાંથી એક સગીર,તેમજ ચાર ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મુખ્ય સંચાલક ધમો ઉર્ફે રાકેશ નારાયણભાઈ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.