-
વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝને મળી હતી ધમકી
-
ધમકી આપનારની પોલીસે કરી ધરપકડ
-
ઉત્તર પ્રદેશ પોલીસને ધમકી ભર્યો આપ્યો હતો મેસેજ
-
કંપનીમાં કામ કરતા કામદારે જ રચ્યું હતું તરકટ
-
પોતાના મિત્રને ફસાવવા માટે કર્યું કારસ્તાન
વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલા મોરાઈની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે.
વલસાડ જિલ્લાના વાપીના છેવાડે મોરાઈ વિસ્તારમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે.આ કંપનીમાં બોમ્બ બ્લાસ્ટનો એક મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો .આથી ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ગુજરાત પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળા મેસેજની જાણ કરી હતી.આથી ગુજરાત પોલીસ કંટ્રોલરૂમ દ્વારા વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી.
મોટી સંખ્યામાં પોલીસ કાફલો કંપની પર પહોંચ્યો હતો. અને કંપનીના તમામ કામદારોને બહાર કાઢી કંપનીના ખૂણે ખૂણાની તપાસ કરી હતી.જોકે કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો,પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી હતી.આ આરોપી આલોક કંપનીમાં જ કામ કરે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતા તેના એક મિત્રને ફસાવવા માટે જ તેણે આ તરકટ રચ્યું હતું.અને પોતાના મિત્ર ધનંજય કુશવાહાના ફોન નંબરનો ઉપયોગ કરીને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમમાં આ મેસેજ કર્યો હતો.અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે,તેવી ધમકી આપી હતી.
પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવાહા બંને મિત્રો હતા.હર્ષ તિવારીએ ધનંજય કુશવાહને થોડા દિવસ તેની રૂમ પર રાખ્યો હતો.આ દરમિયાન બંને વચ્ચે હિસાબના 600 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જો કે ધનંજય કુશવાહાએ 600 રૂપિયા પરત નહીં આપતા આખરે હર્ષ તિવારીએ પોતાના જ મિત્રને ફસાવવા આ ષડયંત્ર રચ્યું હતું.