/connect-gujarat/media/post_banners/3df21eaad3d2bb4bb47c987c02de3e389e351c5af5f2c2273960ce9e6305418d.jpg)
ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ મામલે પોલીસને 11 લોકો વિરુદ્ધ મજબૂત પુરાવા હાથ લાગ્યા છે, ત્યારે હાલ તો પોલીસે વધુ 2 લોકોની ધરપકડ કરી કુલ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગીની પરીક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 લોકો સામે હાલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુનો નોંધાયો છે. આ કાંડમાં જે લોકો સંડોવાયેલા હશે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવવામાં આવશે. આ કેસના સૂત્રધાર તરીકે સરકારમાં રહેલી કે, પરીક્ષા લેનારી જે કોઇ વ્યક્તિ સંકળાયેલી હશે તેમની સામે પણ તપાસ હાથ ધરવામાં આવશે. જોકે, આ પરીક્ષા રદ કરવા મામલે સરકાર ટૂંક સમયમાં બેઠક બોલાવી જાહેરાત કરશે. પેપર લીક કાંડમાં પ્રશ્નપત્ર પ્રેસમાંથી બહાર લાવી આપનારી વ્યક્તિ સરકારી છે અને તે હજુ પોલીસ પકડથી દૂર છે. જોકે, પોલીસને 11 લોકો વિરુદ્ધ મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. હાલ તો આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલ નામના વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસના હાથે ઝડપાયેલો આરોપી મહેન્દ્ર પટેલ પોગલું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે આ મામલે પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.