સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે વન વિભાગે સુદ્રઢ આયોજન કર્યું છે.
જુનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન 184 ટીમ અને 58 કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરીંગ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. મોનિટરીંગ ટીમ દ્વારા રાજ્યના ગીર વન વિસ્તાર અને તટીય ક્ષેત્રમાં રહેતા 40 સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. જેમાં સિંહોની હિલચાલ પર દેખરેખ રાખવા માટે સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ કચ્છમાં નારાયણ સરોવર અભયારણ્ય અને દયાપર રેન્જમાં દયાપર, માતાનો મઢ, બરડા અને નારાયણ સરોવર ખાતે 4 રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે. તદુપરાંત વન્યપ્રાણીઓની મદદ માટે વધારાની 6 વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ તૈનાત રાખવામાં આવી છે.