ગેરકાયદેસર કોલસા ખનનનો પર્દાફાશ
પ્રાંત અધિકારીએ પાડ્યા દરોડા
9 જેટલા મજૂરોનું કરાયું રેસ્ક્યુ
રૂ.17.30 લાખના વાહનો પણ કર્યા જપ્ત
જમીનના કબજેદારો સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા,અને આ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતા રૂપિયા 17.30 લાખની કિંમતના વાહનો પણ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રૂપિયા 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો,અને 9 મજૂરોને બચાવી લેવાયા હતા.
અભેપર ગામના ખાનગી માલિકીની સર્વે નંબર 11ની જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર કોલસાના કૂવામાંથી બે ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર, એક કમ્પ્રેશન મશીન, એક ચરખી, ચાર બકેટ અને 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 17 લાખ 30 હજાર આંકવામાં આવી છે, જેને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
કાર્યવાહી દરમિયાન, કોલસાના કૂવામાંથી એક મિની ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું અને અંદર ફસાયેલા 9 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં જમીનના કબજેદાર ગોરધન છનાભાઈ ઝેઝરીયા અને કોન્ટ્રાક્ટર જયેશ સવશીભાઈ મકવાણા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.વધુમાં આ ઘટનામાં અભેપર ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.