નોકરી પર જતી યુવતીને મળ્યું મોત
જાહેરમાં યુવતીની હત્યાથી ચકચાર
ત્રણ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી
આર્મીમેન યુવક સાથે કર્યા હતા મૈત્રીકરાર
મૃતકની માતાએ યુવકના પિતા પર લગાવ્યો આરોપ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે સવારના સમયે નોકરીએ જતી યુવતીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટનામાં આર્મીમાં ફરજ બજાવતા પ્રેમી યુવકના પિતાએ ઘટનાને અંજામ આપ્યો હોવાના આરોપ મૃતક યુવતીની માતાએ લગાવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામ નજીક એક યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી રાણપુર ખાતેની એક કંપનીમાં કામ પર જઈ રહી હતી.પ્રાથમિક માહિતી અનુસાર ઝોબાળા ગામ નજીક એક અજાણ્યા શખ્સે યુવતી પર હુમલો કર્યો હતો.
હુમલાખોરે યુવતીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવતીની તપાસ કરતા તેનું નામ હેતલ ભુપતભાઇ જુવાલીયા હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ યુવતી ગામના જ આર્મીમેન યુવકના પ્રેમમાં હતી, અને સાડા ત્રણ વર્ષ પહેલા યુવક સાથે મૈત્રી કરાર કરી તેની માતા સાથે રહેતી હતી અને તેને એક ત્રણ વર્ષનો પુત્ર પણ હોવાનું સામે આવ્યુ હતુ.
આર્મીમેન યુવકે અન્યત્ર યુવતી સાથે પણ લગ્ન કરી લીધા હતા,અને આ ઘટનામાં પ્રેમી યુવકના પિતાએ જ યુવતીની હત્યા કરી હોવાના ગંભીર આરોપ સાથે મૃતક યુવતીની માતાએ પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી.યુવતીના મોતથી ત્રણ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી.હાલ સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.