સાબરકાંઠા : અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે બ્લોક કર્યો, પોલીસ વાહનમાં આગચંપી, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું.

New Update
સાબરકાંઠા : અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે બ્લોક કર્યો, પોલીસ વાહનમાં આગચંપી, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ નજીક અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો, ત્યારે બ્લોક ખોલાવવા ગયેલા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો, અને પોલીસ વાહન સળગાવી દીધું હતું. જેને લઈ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટોળાને વિખેરવા 120થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં. 48ને બ્લોક કર્યો હતો. જોત જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યું હતું, અને પોલીસ વાહનને ટોળાએ સળગાવી દીધું હતું. ટોળું આક્રમક બન્યું હતું, જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહીત જિલ્લાની પોલીસ પહોંચી રહી હતી, ત્યાં જ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે 120થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બનાવને લઈને દોઢ કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિક જામ થયો છે. જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરાયો છે. જેમાં અમદાવાદથી ઉદેપુર તરફ જતા વાહનોને ગાંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદેપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગામડી ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયું હતું.

Latest Stories