સાબરકાંઠા : ધનપુરા તથા આસપાસના ગામોમાં "ચુડવેલ"નો ત્રાસ, ગ્રામજનો પરેશાન

ગ્રામજનો માટે ચોમાસું આફત લઇને આવ્યું, ઇયળોના કારણે લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત.

New Update
સાબરકાંઠા : ધનપુરા તથા આસપાસના ગામોમાં "ચુડવેલ"નો ત્રાસ, ગ્રામજનો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના ધનપુરા સહીતના અનેક ગામડાઓમાં લોકોનું જીવન દોહલ્યું બની ગયું છે અને તેનું કારણ છે ઇયળો. ચોમાસાની શરૂઆત થતાંની સાથે ઇયળોના આતંકના પગલે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.

સાબરકાંઠા જિલ્લાના ધનપુરા ગામમાં જયાં જુઓ ત્યાં ચુડવેલ નામની ઇયળો જ જોવા મળી રહી છે. મકાનો હોય કે તબેલા, રસ્તા હોય કે પછી ઘરના વાડા, કાળા રંગની ઇયળોએ પોતાનું એકચક્રી શાસન જમાવી દીધું છે. ખાસ કરીને મહિલાઓની હાલત અંત્યંત દયનીય બની છે. ઇયળોના કારણે ન તો તેઓ ઘરકામ કરી શકે છે કે ન તો રસોઇ બનાવી શકે છે.... દિવસ હોય કે રાત.. લોકોની નિંદ્રામાં ઇયળો ખલેલ પહોંચાડી રહી છે... અસરગ્રસ્ત ગામડાઓમાં લોકોને વારંવાર ઘર સાફ કરવાની ફરજ પડી રહી છે.

ગામલોકોની સમસ્યા એ છે કે, ઘરમાંથી ગમે તેટલી ઇયળોને બહાર કાઢો પણ થોડા જ સમયમાં ફરીથી ઇયળોની ફોજ આવી જાય છે. પશુપાલકોની હાલત પણ ઇયળોએ ખરાબ કરી નાંખી છે. દુધ કાઢતી વખતે પશુઓ પણ ભડકી જાય છે. આજે ધનપુરા ગામની હાલત એવી છે કે, કેટલાય પરિવારો ગામ છોડી હિજરત કરી ગયાં છે.

માત્ર ધનપુરા જ નહિ આસપાસ આવેલાં અન્ય ગામડાઓમાં પણ ઇયળોનો આતંક જોવા મળી રહયો છે. લોકોની માન્યતા મુજબ વધારે વરસાદ પડશે ત્યારે જ આ ઇયળોના ત્રાસમાંથી મુકિત મળશે. હાલ તો વરસાદના દરેક ઝાપટાને ગામલોકો આશાની નજરે જોઇ રહયાં છે.

Latest Stories