સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો પડતા હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ગૌશાળાઓ અને પાંજળાપોળોમાં પશુ માટે ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને સમગ્ર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સાબરકાંઠા જિલ્લા ગૌસેવા સંધ દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ચાલુ વર્ષે મેઘરાજાએ રીસામણા લેતા ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં માત્ર સરેરાશ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો અને વરસાદ ન પડતા ખેતી સાથે પશુ ઘાસચારાની અછત ઉભી થઈ છે. ચોમાસુ સહિતનું વાવેતર ઓછુ થતા ઘાસચારાનું વાવેતર પણ ઓછુ થવાના કારણે રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ નિરામ પામી છે.
સાબરકાંઠાની ગૌશાળાઓ તથા પાંજળાપોળો આર્થિક ભીંસમાં હોવાથી પશુધન બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય અને પશુધન મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી ભીતી સર્જાઇ રહી છે, ત્યારે સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ગૌશાળા સહિત પાંજરાપોળની વ્હારે આવે અને ગામડા સહિત શહેરોમાં રસ્તા ઉપર રખડતા તેમજ ભૂખથી પીડાતા પશુધન મોતના મુખમાં ન ધકેલાય તે માટે કેમ્પ ખોલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.