“શિક્ષક કભી સાધારણ નહીં હોતા” આ વાક્યને સાર્થક કર્યુ છે, સાબરકાંઠા જિલ્લાના ઈડર પ્રાથમિક શાળા નંબર-1ના શિક્ષકે. કે જેઓ ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા અનોખુ મનોરંજન પૂરું પાડે છે. જેના કારણે બાળકોથી લઈ વાલીઓમાં પણ આ શિક્ષક પ્રિય બન્યા છે.
આમ તો સરકારી શાળાઓ છોડી વાલીઓ ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ અર્થે મોકલતા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરની પ્રાથમિક શાળા કે, જ્યા બાળકોને ભણવા માટે વાલીઓ સામેથી મોકલે છે. આ શાળાના શિક્ષક કંઈક અલગ રીતે જ શિક્ષણ આપે છે, અને એના કારણે બાળકોની યાદશક્તિ વધે છે. ઉપરાંત બાળકો તમામ રીતે પરિપક્વ બની જાય છે. ઈડર પ્રાથમિક શાળા નંબર-1ના શિક્ષક હિતેશ પટેલ કે, જેઓ અલગ પ્રકારના શિક્ષણને લઈને હાલ તો સોશિયલ મિડીયામાં છવાયા છે. નાના બાળકોથી લઈને વાલીઓ અને સ્ટાફમાં પણ તેઓ પ્રચલિત બન્યા છે. અને એટલે જ ઈડર શહેરમાં આવેલ આ સરકારી શાળામાં 400થી વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે.
જોકે, આ શાળામાં સરકાર દ્વારા આપેલ તામામ પ્રકારની સાધન સામગ્રી ઉપલબ્ધ છે. અને એ તમામ સાધનો દ્વારા બાળકોને અહી મફત શિક્ષણ અપાય છે, અને એમાય અહી એક પ્રયોગ શાળા પણ બનાવવામાં આવી છે. શિક્ષક હિતેશ પટેલ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક છે, અને ગણિત હોય કે વિજ્ઞાનમાં બાળકો સમજે નહી તો તેઓ ગીત કે, અભિનય ગીત ગાઈને બાળકોને શિક્ષણ આપે છે. આ ઉપરાંત જે વિષયમાં બાળકોને સમજ ન પડે તેવા વિષયમાં આ શિક્ષક પોતાની આગવી શૈલીમાં શિક્ષણ આપી બાળકોને શિક્ષણ આપે છે. જેના થકી બાળકો ગીત, રમત અને ગમત સાથે શિક્ષણ મેળવે છે. તો આ શાળાના બાળકો આ શાળા છોડી અલગ જગ્યાએ જવા પણ તૈયાર નથી. જેનુ કારણ છે, અહિનો સ્ટાફ માત્ર હિતેશ પટેલ જે અભિનય કે, ગીત રજૂ કરે છે, ત્યારે તેમને શાળાનો સ્ટાફ પણ સાથ આપે છે. જેને લઈ ઈડર શહેરમાં આ શાળાની બોલબાલા વધી છે.