/connect-gujarat/media/post_banners/a2429c11dc238f120dbd22cc97a797adbd867b4250896b916270e9674b3d73e8.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર સીક્સ લેન રોડનું ગુણવત્તાયુક્ત કામ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરથી આવેલી NHAIની ટીમના વાહનો રોકી સ્થાનિક આગેવાને થાળી-વેલણ વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક બની રહેલ સીક્સ લેન રોડનું કામ પૂર્ણ થયુ નથી, ત્યાં તો અનેક બ્રીજ પર ખાડા પડી જતા વાહનચાલકો માટે ખોલવામાં આવેલ બ્રીજ બંધ કરવામાં આવ્યા છે. નહીવત વરસાદમાં જ નવીન બ્રીજો પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. તો બીજી તરફ, બ્રીજની બાજુમાં બનાવેલ સર્વિસ રોડ તો એકદમ ભંગાર હાલતમાં આવી ગયો છે. એટલું જ નહીં, રોડ પર ઊડતી ધૂળની ડમરીઓથી અવરજવર કરતા વાહનોચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ઉપરાંત રોડની સાઈડમાં આવેલ ખેતરો, દુકાનો અને રહેણાંક વિસ્તારના મકાનોમાં ધૂળના થર જામી જાય છે. રોડનું કામ પૂર્ણ ન થયુ હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તગડો ટોલટેક્સ લેવામાં આવે છે. તો બ્રિજમાં પડેલ ખાડા અને ભુવાઓને લઈ કેટલાક બ્રીજ ઉપરથી અમદાવાદ અને ગાંધીનગરથી આવેલ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. માર્ગના કામ મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આગેવાન અનીલ પટેલે હાઇવે ઓથોરીટીના અધિકારીઓના કાફલા સામે થાળી-વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં, માર્ગ ન બને ત્યા સુધી ટોલટેક્સ ફ્રી કરવા માટે NHAIના અધિકારીઓને રજૂઆત પણ કરી હતી.