Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇઝરાયેલ ટેકનોલોજીની મદદથી ખેડૂતે હળદરની ખેતી કરીને મેળવ્યું બમળું ઉત્પાદન..!

રૂપાલ કંપા ગામના ખેડૂતે નવી જ સિદ્ધિ હાંસલ કરી, અન્ય ખેડૂતો પણ ઇઝરાયેલ ટેકનોલોજી તરફ વળ્યા.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપાના ખેડૂતે ઇઝરાયેલ ટેકનોલોજીની મદદથી ખેતી કરવાની શરૂઆત કરી છે. જેમાં ૧૦૦ એકર જમીન ઉપર જેટલું ઉત્પાદન લઈ શકાય તેટલું ઉત્પાદન માત્ર ૧ એકર જમીનમાંથી લઈ ખેડૂતે નવી સિદ્ધિ હાંસલ કરી છે. જેના પગલે સમગ્ર વિસ્તારના અન્ય ખેડૂતો પણ હવે આ ઇઝરાયેલ ટેકનોલોજીની પદ્ધતિ તરફ વળી રહ્યા છે.

સામાન્ય રીતે હળદરની ખેતી માટે પ્રકાશની જરૂરિયાત સામાન્ય રહેતી હોય છે. તેવા સમય અને સંજોગોમાં રૂપાલ કંપા ગામના ખેડૂતે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ તેમજ સૌથી પહેલા ઇઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત સફળ ખેતી કરી બતાવી છે. સામાન્ય સંજોગોમાં ૧ એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતા બમળું ઉત્પાદન ઇઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત મળી શકે છે, ત્યારે ખેડૂતે ૧૦૦ એકર જમીન ઉપર જેટલું ઉત્પાદન લઈ શકાય તેટલું ઉત્પાદન માત્ર ૧ એકર જમીનમાંથી મેળવી નવી સિદ્ધિ હાંસલ કરી છે. ખેડૂતે હળદરની ખેતી માટે ગ્રીન હાઉસનો ઉપયોગ કર્યો છે. જેમાં અલગ અલગ ૬ જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે. આ ટેકનોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે, ડ્રિપ એરીગેશનથી ખેતી કરવામાં આવી છે.

જોકે, ૧ એકર જમીનમાંથી વધુમાં વધુ ૫૦થી ૬૦ ટન હળદરનું ઉત્પાદન થાય છે, જ્યારે ઇઝરાયેલ ટેકનોલોજીને પગલે ૬૦૦ ટનથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જેના પગલે ખેડૂતને ૧ એકર જમીનમાંથી કરોડો રૂપિયાની આવક થાય છે. આથી હવે આસપાસના ગામના ખેડૂતો પણ હવે રૂપાલ કંપાના ગ્રીન હાઉસની મુલાકાત લઇ ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે. જોકે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ભારતના પ્રધાનમંત્રીના આગામી વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને ઇઝરાયેલની ટેકનોલોજી થકી પૂર્ણ કરી શકાય તેમ છે.

એક તરફ દિન-પ્રતિદિન ખેડ ખાતર અને પાણી મોંઘા થઈ રહ્યા છે. તેવા સમયે ઇઝરાયેલ ટેકનોલોજીથી ખેતી કરવા માટે ગ્રીન હાઉસ તેમજ નેટ હાઉસ બનાવવા ખેડૂત માટે શક્ય નથી, ત્યારે આ મામલે ખેડૂતો રૂપાલ કંપાના ગ્રીન હાઉસની મુલાકાત લઇ ખેતી કરવા માટે પ્રોત્સાહિત બન્યા છે. જોકે, ઇઝરાયેલ ટેકનોલોજી સામાન્ય ખેડૂત માટે મોંઘી થઈ પડે તેમ છે, ત્યારે ૧૦૦ એકરમાંથી મેળવાતું ઉત્પાદન ૧ એકરમાંથી મળી શકે તેમ હોવા છતાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે વિશેષ સહાય આપવામાં આવે તો ભારતના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરી શકાય તેમ છે. રૂપાલ કંપાના ખેડૂતે કરેલી ક્રાંતિ હાલના તબક્કે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પણ એક અદ્ભુત ઉદાહરણ પુરવાર થયું છે. જે આગામી સમયમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહે તેમ છે.https://youtu.be/GRzq6QPUtIw

Next Story