-
IT વિભાગે ફટકારી 36 કરોડની નોટિસ
-
રૂ.12000ના પગારદારને મળી નોટિસ
-
નોટિસને પગલે સામાન્ય પરિવાર બન્યો ચિંતાગ્રસ્ત
-
યુવાને ખાધા વિવિધ વિભાગના ધક્કા
-
ઘટના IT વિભાગની ભૂલ છે કે ફ્રોડ તપાસનો વિષય
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં બનેલ ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારતા આશ્ચર્ય સર્જાયું છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડરના રતનપુર ગામના જીતેશ રામજીભાઈ મકવાણા નામના યુવકને આવકવેરા વિભાગે 36 કરોડનો હિસાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે. જીતેશ અમદાવાદમાં રહીને એક કંપનીમાં રૂપિયા 12000ના પગારમાં નોકરી કરે છે. રતનપુર ગામમાં ઇન્દિરા આવાસ યોજનામાં તેના ઘરના સરનામે આવકવેરા વિભાગે આ નોટિસ મોકલી છે.
હિંમતનગર IT વિભાગે જીતેશ રામજીભાઈ મકવાણાને નોટિસ મોકલી છે.એમાં તેના નામે જે.કે. એન્ટરપ્રાઈઝના નામની પેઢીનો ઉલ્લેખ કરીને GST નંબર દર્શાવાયો છે. આ પેઢી દ્વારા વર્ષ 2020-21 અને 2021-22ના વર્ષમાં કુલ થઈને 15 કરોડ 97 લાખ અને 20 કરોડ 05 લાખના ટ્રાન્ઝેક્શન થયા છે, જે કુલ 36 કરોડ 03 લાખ થાય છે. આવકવેરા વિભાગની કલમ 148A(1) અંતર્ગત આ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા માટે પેઢીનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પરચેઝ રજીસ્ટર, સેલ્સ રજીસ્ટર અને પેઢીને લગતી જરૂરી તમામ વિગતો સાથે 13 એપ્રિલ 2025 પહેલા જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
મહિને 12,000ના પગાર પર નોકરી કરી રહેલા જીતેશને 36 કરોડનો ખુલાસો કરવાની નોટિસ મળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.જીતેશે જણાવ્યું હતું કે નોટિસ લઈને હિંમતનગરમાં IT વિભાગમાં ગયા બાદ એક ભાઈને નોટીસ બતાવી પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જ્યારે રાજ્ય સરકારના જીલ્લા અને તાલુકા મથકે અલગ અલગ વિભાગમાં ધક્કા ખાધા પણ “મે આઈ હેલ્પ યુ” ના વાક્યો લાખેલા છે પરંતુ કોઈએ મદદ ન કરી.પોલીસ સ્ટેશન, સાયબર પોલીસ સ્ટેશન પણ ગયા બાદ માત્ર નિરાશા જ સાંપડી હોવાનું જીતેશે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ IT વિભાગની ભૂલ છે કે જીતેશ સાથે કોઈએ ફ્રોડ કર્યું છે તે પણ તપાસનો વિષય બની ગયો છે.