સાબરકાંઠા : આ છે હિંમતનગર બેઠકના અપક્ષ ઉમેદવાર "મૂછ મગન", પ્રચાર વેળા તેમની મૂછોનું લોકોમાં આકર્ષણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં યુદ્ધની માફક મત મેળવવાની ટક્કર ઉમેદવારોને હંફાવી રહી છે.

New Update
સાબરકાંઠા : આ છે હિંમતનગર બેઠકના અપક્ષ ઉમેદવાર "મૂછ મગન", પ્રચાર વેળા તેમની મૂછોનું લોકોમાં આકર્ષણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોનું પ્રચાર કાર્ય ધમધમી રહ્યુ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિધાનસભા બેઠક પર એક એવા ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે કે, જે પોતાના ચૂંટણી નિશાન કરતા પોતાની મૂછથી વધુ ઓળખાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં યુદ્ધની માફક મત મેળવવાની ટક્કર ઉમેદવારોને હંફાવી રહી છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારો એવા પણ જોવા મળી રહ્યા છે કે, જે લોકોમાં સૌથી અલગ તરી આવે છે. ચૂંટણી પ્રચારના તેજ ધમધમાટ વચ્ચે પોતાના નામ પર તો ક્યાંક પોતાના ચૂંટણી નિશાન પર ઉમેદવારો મત માંગવા નીકળી રહ્યા છે. પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં એક ઉમેદવાર એવા છે કે, જે પોતાના ચૂંટણી નિશાનથી નહીં પરંતુ પોતાની મૂછના કારણે ચર્ચામાં છે. અમે વાત કરવા જઈ રહ્યા છે મગન સોલંકીની... મગન સોલંકીએ હિંમતનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ ઘરે ઘરે ફરીને હાલ પ્રચાર કરી રહ્યા છે. લોકો પણ તેમને જોઈને આશ્ચર્ય અનુભવે છે. કારણ કે, તેમની મૂછ ખૂબ જ લાંબી છે, તે જ્યાં પહોંચે ત્યાં તેમની મૂછના કારણે ચર્ચામાં રહી જાય છે. સૈન્યમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયેલા મગન સોલંકી પોતાની મૂછ પર ગર્વ ધરાવે છે. તેઓએ પોતાની મૂછને લઇને અનેક વિસ્તારમાં જાણીતા છે. કારણ કે, તેમની મૂછ અઢી ફુટ જેટલી લાંબી છે, અને લાંબી મૂછને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. જોકે, લોકો ભલે તેમની મૂછથી આશ્ચર્ય અનુભવતા હોય. તેઓ લોકો પાસે મત માંગવા જાય ત્યારે પોતાની મૂછની ચર્ચા પણ અચૂક કરી લેતા હોય છે.

Latest Stories