સ્વાવલંબનના પાઠ ભણતી દીકરીઓ
પુસ્તકિયા જ્ઞાન સાથે સ્વાવલંબનના પાઠ ભણ્યા
અર્ન વિથ લર્નના મંત્રને દીકરીઓએ કર્યો સાર્થક
કપોળ કન્યા છાત્રાલય ઓર્ગેનિક સ્ટાર્ટઅપનું કેન્દ્ર બન્યું
દીકરીઓએ આત્મનિર્ભર બનવા માટે કમર કસી
સાવરકુંડલામાં પુસ્તકિયા જ્ઞાનની સાથે હવે સ્વાવલંબનના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે. અહીંની દીકરીઓ 'અર્ન વિથ લર્ન' (ભણતર સાથે કમાણી)ના મંત્રને સાર્થક કરી, પૌષ્ટિક આહાર દ્વારા આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહી છે.
સાવરકુંડલાનું કપોળ કન્યા છાત્રાલય આજે એક અનોખા ઓર્ગેનિક સ્ટાર્ટઅપનું કેન્દ્ર બન્યું છે. અહીં અભ્યાસ કરતી દીકરીઓ દર શનિ-રવિ સાંજે 6 થી 10 દરમિયાન આત્મનિર્ભર બનવા માટે કમર કસી રહી છે. માત્ર 20 રૂપિયામાં શુદ્ધ સૂપ, ખજૂર-દૂધ અને આયુર્વેદિક કાવા જેવી સાત્વિક વાનગીઓ પીરસીને તેઓ લોકોના સ્વાસ્થ્યની દરકાર કરવાની સાથે પોતાની કારકિર્દી પણ ઘડી રહી છે.
ફાસ્ટ ફૂડના યુગમાં લોકોને શુદ્ધ આહાર આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ 'નો પ્રોફિટ, નો લોસ'ના સિદ્ધાંત પર ચાલે છે. વિદ્યાર્થીની રિદ્ધિ ચંદુ અને તેની ટીમ કાચા માલની ખરીદીથી લઈને વેચાણ અને હિસાબ સુધીની તમામ જવાબદારીઓ જાતે જ સંભાળે છે. આ પ્રવૃત્તિ તેમને વ્યાવસાયિક સૂઝબૂઝ અને આર્થિક સ્વતંત્રતાની અમૂલ્ય તાલીમ આપી રહી છે.
શિક્ષણ અને સ્વાવલંબનનો આ સંગમ અન્ય સંસ્થાઓ માટે દિશા સૂચક છે. આ દીકરીઓએ સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય, તો અભ્યાસની સાથે જ સફળતાના આકાશને આંબી શકાય છે.