Connect Gujarat
ગુજરાત

સાયલા : સોની વેપારીના રૂપિયા ૮૮ લાખના સોનાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર એક જ પરિવારના ૪ સભ્યો ઇન્દોરમાંથી ઝડપાયા

માતા-પિતાને કોરોના થતાં સારવારમાં લાખો રૂપિયાનું દેવુ થઇ જતાં સોનાના થેલાની ઉઠાંતરી કરી હોવાની કબુલાત

X

રાજકોટના સોની વેપારી ખાનગી ટ્રાવેલ્સમાં ઇન્દોર જઇ રહ્યા હતા. તે દરમિયાન હાઇવે પર હોલ્ટ કરવા બસ ઉભી રહી હતી. તે દરમિયાન રૂપિયા ૮૮ લાખના સોનાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરીનો બનાવ બન્યો હતો. જેમાં સુરેન્દ્રનગર પોલીસે એક જ પરિવારના ૪ સભ્યોને ઇન્દોરથી મુદ્દામાલ સાથે દબોચી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સાયલા હાઇવે પર રાત્રીના સમયે હોલ્ટ કરવા ઉભી રહેલી બસમાંથી રાજકોટના સોની વેપારી શૈલેષભાઇ પટોડીયા રૂપિયા ૮૮ લાખના દાગીના ભરેલો થેલો લઇ એક શખ્સ કારમાં બેસી રફુચક્કર થઇ ગયો હતો. જે બનાવ અંગે જાણ થતાં પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હોટલના સીસીટીવી ફુટેજ તપાસતા એક શખ્સ બસમાંથી થેલો લઇ ઉતરી કારમાં બેસતો દેખાયો હતો. જેના આધારે પોલીસે રાજકોટ શહેર તેમજ ટ્રાવેલ્સની આેફીસ સહીતના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફુટેજ ચેક કરતા સોનુ ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર શખ્સ ઇન્દોરનો હીદાયતખાન સફાતખાન પઠાણ હોવાની વિગતો બહાર આવતા પોલીસની બે ટીમોઅે ઇન્દોરમાં ધામા નાંખ્યા હતાં. અને હીદાયતખાન, અહેતેસામખાન હૈયાતખાન પઠાણ, હીદાયતખાનની પત્નિ રજીયાબેગમ અને અલીશાબેન હૈયાતખાન પઠાણ ને ઇન્દોરમાં આવેલા તેમના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધા હતાં..

પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૮૦ લાખનું સોનુ રોકડા રૂપિયા ૪ લાખ, પાંચ મોબાઇલ ફોન તેમજ ગુનામાં વપરાયેલ કાર સહીત કુલ રૂપિયા ૯૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી હિદાયતખાનનાં માતા-પિતાને કોરોના થતાં તેમજ હિદાયતખાનને પણ કોરોના થતાં સારવારમાં મોટી રકમનો ખર્ચ થઇ ગયો હતો અને લાખો રૂપિયાનું દેવુ થઇ જતાં આરોપીની પસોની બજારમાં કામ કરતો હોય રાજકોટનો વેપારી નિયમિત સોનું લઇ આવતો હોવાની જાણ થઇ હતી તેથી રેકી કરી સોનાના થેલાની ઉઠાંતરી કરી હતી. અને સોનું વેચી દેવુ ભરપાઇ કરવાની યોજના બનાવી હતી પરંતુ પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story