શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા 4 વર્ષ અને 10 દિવસ બાદ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે મથામણ કરી રહી છે, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જેમ જેમ સમય નજીક આવે તેમ તેમ કોંગ્રેસ પ્લાનિંગ કરીને આગળ વધે છે. આજે મહેન્દ્ર ભાઈ ઘરવાપસી કરે છે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર ગુજરાત સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા જેમ કામગીરી કરતા હતા તેના કરતાં સારી કામગીરી કરીને આગળ વધશે.
મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, નફરતની રાજનીતિ મટાડવા માટે સાથે આવવું જરૂરી છે. મેં જગદીશ ભાઈને પ્રસ્તાવ રાખ્યો હતો. મને સ્વીકારવા તમામ લોકોનો આભાર માનું છું. ભાજપ જોડાયા પછી ક્યારેય હું કોઈ કાર્યક્રમમાં ગયો નથી. ભાજપમાં હતો તેમ છતાં મારું મન કોંગ્રેસમાં હતું.