રાજ્યમાં ભાદરવાના અંતમાં અષાઢી માહોલ જામ્યો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો
શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો
ઓઝત-2 મુખ્ય ડેમ પણ 95 ટકા પાણીથી છલકાયો
નદીકાંઠા-નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા
રાજ્યમાં ભાદરવાના અંતમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો અને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો થયો છે, જ્યારે જુનાગઢ જિલ્લાનો ઓઝત-2 મુખ્ય ડેમ પણ 95 ટકા પાણીથી છલકાયો છે.
આમ તો રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભાદરવાના અંતમાં પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો થતાં ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમમાં ભારે પાણીની આવક શરૂ થઈ છે. ડેમમાંથી 1,800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જોકે, ડેમ ઓવર-ફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. આ તરફ, જુનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત-2 બાદલપુર 95 ટકા ભરાયો છે. આ ડેમ થકી 3 તાલુકાને પીવાનું પાણી મળી રહે છે. ખેડૂતોને સિંચાઇ માટે પિયતનું પાણી પણ આ ડેમ મારફતે મળે છે. રાત્રિ દરમ્યાન વધુ વરસાદ વરસતા ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઓઝત-2 ડેમમાંથી 5,700 ક્યુસેક પાણીની આવક સાથે જાવક થઈ રહી છે.