સીંગવડના તોરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોરી
તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થયા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ચોરી થતાં ચકચાર મચી
તસ્કરોએ આરોગ્ય કેન્દ્રમાંથી સરસામાનની ચોરી કરી
અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા પોલીસની કવાયત
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાય સમયથી દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે સીંગવડ તાલુકાની સરકારી કચેરીને તસ્કરોએ નિશાન બનાવી હતી. સીંગવડના તોરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
તસ્કરોએ આરોગ્ય કેન્દ્રનો દરવાજો તોડી બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા, જ્યાં આરોગ્ય કેન્દ્રમાંથી કેટલાક સરસામાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે તોરણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીંગવડ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલીંગમાં વધારો થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.