/connect-gujarat/media/post_banners/64921b76b273e423a3f5c14351651db5f053a52cac2c00e771a80b781d5fb020.jpg)
ગીર પંથકના ખેડુતોની શિયાળુ પાક સારો થવાની આશા પર માવઠાએ પાણી ફેરવી દીધું છે. માવઠાના કારણે ચણાના પાકમાં રોગચાળો આવી જતાં ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થવાની સંભાવનાથી ખેડુતો ચિંતાતુર બન્યાં છે..
જગતનો તાત કુદરતી અને કૃત્રિમ આફતો સામે હંમેશા ઝઝુમતો આવ્યો છે. ગીર પંથકના ખેડુતોની વાત કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક યોગ્ય રીતે થયો ન હતો. પાછોતરો વરસાદ સારા થતાં ગીરના ખેડૂતોએ મહા મહેનતે ચણાનું વાવેતર કર્યું હતું. ગીર વિસ્તારમાં આશરે 50 હજાર હેકટર જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું..ચોમાસુ પાકમાં ગયેલી ખોટ શિયાળુ પાકથી ભરપાઇ કરવાની ખેડુતોની આશા ઠગારી નીવડી છે.
કમોસમી વરસાદ અને યોગ્ય વાતાવરણ ન હોવા ના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ચણાના પાકમાં ફૂગ અને સુકારા નામનો રોગ આવતા છોડ ઊભા સુકાય રહ્યા છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા ખેડુતો મોંઘીદાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે પણ કમોસમી વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી દે છે. ખેડુતોનું કહેવું છે રોગચાળા તથા કમોસમી વરસાદથી ચણાના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થશે.
છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદને લીધે પાકોમાં નુકશાન જોવા મળી રહ્યું છે. આ વર્ષે રવિ પાકની વાત કરીએ તો ઘઉંનું 49,800 હેક્ટરમાં,ચણાનું 50 હજાર હેક્ટરમાં જ્યારે 29 હજાર હેક્ટરમાં અન્ય પાકોનું વાવેતર થયું છે. વાવેતરમાં પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ ન વરસ્યો હોત તો રવિ પાકોનું ઉત્પાદન વધવાની સંભાવના હતી.