Connect Gujarat
ગુજરાત

અમરેલીનો બાપ બોલુ છું...કહેનારાના જુઓ પોલીસે કેવા કર્યા હાલ

“અમરેલીનો બાપ બોલું છું” કહી પેટ્રોલ પંપના માલિક પાછે થી રૂપિયા 10 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

X

અમરેલી શહેરમાં એક પેટ્રોલ પંપના માલિકને છત્રપાળ વાળા નામના ઇસમે ફોન પર "અમરેલીનો બાપ બોલું છું" કહી રૂપિયા 10 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં એસપી નિરલિપ્ત રાયને પણ ખુલ્લો પડકાર ફેંકનાર ઇસમ છત્રપાળ વાળા ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથે ઝડપાયો હતો, ત્યારે કાયદાનું ભાન કરાવવા અમરેલી પોલીસ દ્વારા આરોપીનું સરાજાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમરેલી શહેરમાં આવેલ ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયા પાસે છત્રપાલ વાળા નામના ઇસમે ફોન પર રૂપિયા 10 લાખની ખંડણીની માંગણી કરી હતી. તો સાથે જ તેને જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી, જ્યારે આ ઓડિયો-ક્લિપમાં એસપી નિરલિપ્ત રાયને પણ છત્રપાલ વાળાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો, ત્યારે હિતેશ આડતિયા દ્વારા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતાં અમરેલી LCB પોલીસે છત્રપાલ વાળાને ઝડપી પાડ્યો હતો.

અમરેલી પોલીસ દ્વારા તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, હિતેશ આડતિયાને શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવા માટે રૂ. 10 લાખની માંગ કરાઇ હતી, અન્યથા પેટ્રોલ પંપના માલિક પર ફાયરિંગ કરવાની પણ આરોપીએ ધમકી આપી હતી. જોકે, છત્રપાલ વાળા અને પેટ્રોલ પંપના માલિક વચ્ચેની વાતચીત વાઈરલ થયેલી ઓડિયો-ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવી ખંડણી માંગી હતી, જોકે, પેટ્રોલ પંપના માલિકે ના કહેતા 3 દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી. કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવનાર છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે ખંડણી માંગનારને ઝડપી પાડી અમરેલી પોલીસે તેને કાયદાનું ભાન કરાવવા માટે સરાજાહેર તેનું સરઘસ કાઢ્યું હતું.

Next Story