Connect Gujarat
ગુજરાત

અમરેલી અને ડાંગમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અટવાયા, તો પોલીસે વાનમાં બેસાડી પહોચતા કર્યા...

જુનિયર કલર્કની પરીક્ષા માટે વલસાડ જિલ્લાના ગુંદલાવથી ડાંગ જિલ્લામાં આવેલા પરિક્ષાર્થીઓ અટવાઈ પડતા પોલીસ તેઓને મદદરૂપ બની હતી

X

આજરોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષા કેન્દ્ર પહોચતા પહેલા અમરેલી અને ડાંગમાં કેટલાક વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. જેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચતા કરી પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી હતી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્યભરમાં વહેલી સવારથી જ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર આવી પહોંચ્યા હતા. જોકે કેટલાક સ્થળે પહોચવામાં વિદ્યાર્થીઓને આહાલાકી પડી હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાની ધારી નજીક જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતાં વિધાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટેટ હાઇવે પર બંધ પડેલા ટ્રકના કારણે ટ્રાફિક હાં થતાં એસટી. બસમાં આવતા 11 પરીક્ષાર્થીઓ પરેશાન થયા હતા, ત્યારે આ પરીક્ષાર્થીઓને પોલીસે પોતાની વાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના 11 પરીક્ષાર્થીઓ માટે પોલીસ દેવદૂત સાબિત થઈ થઈ હતી. ખાંભાથી અમરેલી સુધી તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસે પહોંચતા કર્યા હતા, ત્યારે તમામ વિદ્યાર્થીઓએ ગળગળા થઈ પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

તો બીજી તરફ, ડાંગ જિલ્લા પોલીસની પણ બિરદાવવા લાયક કામગીરી હોવા મળી હતી. જુનિયર કલર્કની પરીક્ષા માટે વલસાડ જિલ્લાના ગુંદલાવથી ડાંગ જિલ્લામાં આવેલા પરિક્ષાર્થીઓ અટવાઈ પડતા પોલીસ તેઓને મદદરૂપ બની હતી. જેમાં કિસ્સો કઈક અલગ જ હતો કે, એક જ નામ ધરાવતી 2 અલગ અલગ સ્કૂલના કારણે કેટલાક પરિક્ષાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા. કેટલાક પરીક્ષાર્થીઓનું સેન્ટર સાપુતારાના માલેગાંવની એકલવ્ય સ્કૂલ હતી, જ્યારે કેટલાક પરિક્ષાર્થીઓ આહવાની એકલવ્ય સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા, ત્યારે અટવાયેલા તમામ પરિક્ષાર્થીઓને આહવાથી સાપુતારાના માલેગાંવ 35 કિમિ સુધી પોલીસે પોતાના વાહનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોચતા કરવાની વ્યવસ્થા કરી હતી.

Next Story