Connect Gujarat
ગુજરાત

સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં આજે પહેલો દિવ્ય દરબાર યોજાશે, સેંકડો લોકો ઉમટવાની શક્યતા

સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં આજે પહેલો દિવ્ય દરબાર યોજાશે, સેંકડો લોકો ઉમટવાની શક્યતા
X

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. ત્યારે આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર લાગશે. જેમાં હજારો લોકો ઉમટી પડશે. આયોજકો દ્વારા દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઈ, 30 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અને હોમગાર્ડઝ તહેનાત છે. એસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, બે દિવસના આયોજન દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાથી પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં 2 DCP,4 ACP સહિત 400 પોલીસ જવાન, 14 પીઆઈ, 30 PSI, 480 પોલીસ, 680 હોમગાર્ડના જવાનો તહેનાત છે.

ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગથી ટ્રાફિક પોલીસ સહિત TRBના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતા છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે, તેઓ હાલ દેશભરમાં હિન્દુ સંત તરીકે સૌથી વધારે ચર્ચામાં આવેલા યુવા સંત છે.બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે દરબાર ભરે છે અને જે પરચી ફાડીને જવાબ આપે છે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે. આ જોવા અને જાણવા માટે લોકો ઉમટી પડશે. જેને લઈને વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Next Story