રાંદેર વિસ્તારમાં આવેલ ટુબી મેરેજ હોલની ઘટના
મેરેજ હોલમાં લગ્ન પ્રસંગનું હાથ ધરાયું આયોજન
વરરાજા, મિત્રો તેમજ પરિજનો રમતા હતા જુગાર
બાતમીના આધારે પોલીસ દ્વારા મેરેજ હોલમાં દરોડા
પોલીસે વરરાજા સહિત 13 લોકોની કરી અટકાયત
સુરતમાં વરરાજા ઘોડી ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે. આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. રાંદેર વિસ્તારમાં આવેલા ટુબી મેરેજ હોલમાં લગ્ન પ્રસંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. લગ્નના આગલા દિવસે મોડી રાત્રે વરરાજા અને તેમના મિત્રો તેમજ પરિવારજનો લગ્નના હોલમાં જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન રાંદેર પોલીસને બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે હોલ ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 13 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ધરપકડ કરાયેલા 13 લોકો પૈકી નદીમ આસિફ સાંગડા નામનો એક યુવાન એવો હતો કે, જેના લગ્ન હતા. નદીમ સાંગડા પોતે કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જે લગ્નના આગલા દિવસે તે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા માટે બેઠો હતો. હાલ એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે, વરરાજાને ઘોડી ચઢાવાને બદલે લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે. જોકે, લગ્ન પ્રસંગ પહેલા ધરપકડ કરાયેલા તમામ 13 લોકોને જામીન મળી ગયા છે.