રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષ બાદ કોચિંગ અને ખાનગી ટ્યુશન ક્લાસીસને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે સુરતના 1500 જેટલા ટ્યુશન કલાસીસ સરકારની ગાઈડલાઇન અનુસાર પુનઃ શરૂ થયા છે. સરકારના આ નિર્ણયને સુરત કોચિંગ એકેડેમિક એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે.
કોરોના મહામારીના કારણે સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલા કોચિંગ અને ખાનગી ટ્યુશન ક્લાસીસ આજથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસોનું પ્રમાણ ઘટતા સરકાર દ્વારા કોચિંગ અને ખાનગી ટ્યુશન ક્લાસીસને 50 ટકા વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા સાથે 2 સેશનમાં શરૂ કરવા અંગે પરવાનગી આપવામાં આવી છે. જેને લઈ વિધાર્થીઓ અને ક્લાસિસના સંચાલકોને મોટી રાહત મળી છે.
સુરતમાં કોચિંગ અને ખાનગી ટ્યુશન મળી કુલ 1500 જેટલા ટ્યુશન કલાસીસ આવેલા છે. જેમાં 400 જેટલા સુરત કોચિંગ એકેડેમિક એસોસિએશનમાં રજીસ્ટર્ડ થયેલ છે. જે કોરોના કાળમાં માત્ર એક મહિનો સુધી ચાલુ રહયા હતા. જે બાદ સતત દોઢ વર્ષ સુધી બંધ રહેલા ક્લાસીસ પૈકીના કેટલાક ક્લાસીસને હંમેશા માટે તાળા લાગી ગયા છે, જ્યારે કેટલાક સંચાલકોએ તો પોતાના ક્લાસીસના બેન્ચ સહિતના સરસામાન પણ વેચી દીધા છે. જોકે, હવે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય બાદ સંચાલકોને મોટી રાહત મળતા આ નિર્ણયને સુરત કોચિંગ એકેડેમિક એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે.