VR મોલને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
મોલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું
ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાય
મેઈલમાં 74 જેટલા લોકેશનનો પણ ઉલ્લેખ કરાયો : DCP
લોકોને અફવાઓથી દૂર રહેવા પોલીસ તંત્ર દ્વારા અપીલ
સુરત શહેરના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે. થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસઓજી અને પીસીબીની ટીમ સહિત અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ VR મોલ ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ રહી છે.
સમગ્ર મામલે DCP રાકેશ બારોટે જણાવ્યું હતું કે, આગળ પણ જે પ્રકારનો મેઈલ થોડા સમય પહેલા આવ્યો હતો, એ જ પ્રકારનો મેઈલ 3 વાગ્યા બાદ આવ્યો છે. જેમાં એક્સપ્લોઝિવ મુકીને VR મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અગાઉ પણ 74 જેટલા લોકેશનનો ઉલ્લેખ હતો, જ્યારે આ વખતે પણ મેઈલમાં એ જ પ્રકારના લોકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તરફ, સમગ્ર મોલ સહિત થિયેટરને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે, જ્યાં તપાસ કામગીરીને પૂર્ણ કરવા ડોગ સ્કવોડ સહિતની ટીમ કામે લાગી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોશ વિસ્તારમાં આવેલા VR મોલમાં રક્ષાબંધનની રજાના દિવસે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા અને હરવા-ફરવા માટે પહોંચ્યા હતા. જોકે, લોકોને પણ અફવાઓથી દૂર રહેવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.