Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ભોયકા ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું, તંત્ર તપાસ અર્થે દોડ્યું..!

લીંબડી તાલુકાના ભોયકા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા રૂપિયા 47 લાખની યોજના મંજૂર કરવામાં આવી હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામે નલ સે જલ યોજના અંતર્ગત રૂપિયા 47 લાખની યોજનામાં કામ કર્યા વગર જ એજન્સીને અમુક રકમ ચૂકવી દઇ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજૂઆત થતાં તંત્રની ટીમ ભોયકા ગામે સ્થળ તપાસ અર્થે દોડી આવી હતી.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભોયકા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા રૂપિયા 47 લાખની યોજના મંજૂર કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીને કોઇપણ પ્રકારનું કામ કર્યા વગર જ પ્રથમ હપ્તા પેટે રૂપિયા 19 લાખ જેવી રકમ ચૂકવી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક તેમજ જિલ્લાકક્ષાએ લેખીત રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર, લીંબડી મામલતદાર, પ્રાંત અધિકારી સહીતની ટીમ તપાસ અર્થે સ્થળ પર દોડી આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી કે, પંચાયતના પાણી સમિતિના સભ્ય કોઇને પણ હાજર રાખવામાં ન આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

તો બીજી તરફ, ભોયકા ગામે સ્થળ તપાસ કરવા આવેલા અધિકારીઓએ માત્ર રોજકામ કરી સ્થાનિકોના નિવેદન લઇ સંતોષ માન્યો હતો. પરંતુ ખરેખર ગામમાં યોજના અંતર્ગત કોઇ જગ્યાએ કામ થયું છે કે, નહીં તે તપાસવાની પણ તસ્દી લીધી નહોતી. જેને લઇને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. તંત્ર દ્વારા આ મામલે જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે અને ભ્રષ્ટાચાર કરનારને છાવરવામાં આવશે તો રજૂઆત કરનાર સ્થાનિક દ્વારા આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે હાલ તો અધિકારીઓ દ્વારા આ મામલે કોઇ તપાસ કરવામાં આવશે કે, હંમેશની જેમ કુલડીમાં ગોળ ભાંગવામાં આવશે તેવો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

Next Story