Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : શહેર ભાજપ પ્રમુખની હોસ્પિટલ સીલ, પ્રમુખે મુખ્ય અધિકારી સાથે કર્યું અસભ્ય વર્તન

X

સુરેન્દ્રનગર શહેર ભાજપના પ્રમુખ સત્તાના મદમાં છકી ગયાં હોય તેમ લાગી રહયું છે. ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતી તેમની હોસ્પિટલને સીલ કરવા આવેલાં પાલિકાના મુખ્ય અધિકારી તથા અન્ય સ્ટાફ સાથે તેમણે અસભ્ય વર્તન કર્યું હતું.

સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની દાદાગીરી સામે આવી છે. ફાયર સેફટી તથા BU પરમિશન ન ધરાવતી પોતાની હોસ્પિટલ સીલ કરતા ચીફ ઓફિસર સંજય પંડયાને ધક્કો મારતા વિવાદ થયો છે. શહેર પ્રમુખે કેન્દ્રીય મંત્રી,ધારાસભ્ય,પાલિકા પ્રમુખ સહિતના નેતાઓને રજુઆત કરી હતી પણ તેમનો પનો ટુંકો પડયો હતો. વાત એમ બની કે રાજય સરકારના આદેશ મુજબ નગરપાલિકાઓ તેમની હદમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફટી તથા બીયુ સર્ટિફિકેટની ચકાસણી કરી રહી છે. સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખની હોસ્પિટલમાં બીયુ અને ફાયર સેફટી નહિ હોવાથી પાલિકાની ટીમ હોસ્પિટલ સીલ કરવા માટે પહોંચી હતી. શહેર ભાજપ પ્રમુખે કાર્યવાહી કરવા આવેલા મુખ્ય અધિકારી તથા અન્ય સભ્ય સાથે ઉંચા અવાજમાં વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે મુખ્ય અધિકારીને ધકકો માર્યો હોય તેવો વિડીયો વાયરલ થઇ રહયો છે. બનાવ બાદ મુખ્ય અધિકારીએ જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રધ્ધા મેટરનીટી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું. 10 દિવસ માં ફાયર સેફટી ફીટ કરાવવા માટે ભાજપ શહેર પ્રમુખે ખાત્રી આપી હોવાનું જાણવા મળી રહયું છે.

Next Story