ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા જીક્સો આર્ટ વર્કથી ચિત્રકૃતિ બનાવી પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર દેશભરમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સ્વ. અટલ બિહારી વાજપેયી 9 વખત લોકસભાના સભ્ય અને 2 વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ 4 રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાનારા તેઓ એક માત્ર સંસદ સભ્ય હતા, ત્યારે તેઓના કાર્યકાળ અને જીવનમાંથી પ્રેરણા લઈને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા જીક્સો આર્ટ વર્ક બનાવી પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. લુપ્ત થઈ રહેલી જીક્સો કટીંગ તેમજ એસીપી અને લાકડાના ઉપયોગ કરી ધ્રાંગધ્રાના યુવાને સ્વ. અટલ બિહારી વાજપેયીનું આર્ટ વર્ક ચિત્ર બનાવ્યું છે. આ કૃતિ બનાવનાર શંભુ મિસ્ત્રી આમ તો પક્ષી પ્રેમી છે. જે 51 હજાર ચકલી ઘરનું પ્રેરીત કાર્ય કરી સ્પેરો મેન તરીકે પણ જાણીતા થયા છે, પરંતુ તેમનામાં રહેલી આગવી કળા સાથે દેશભક્તિની વાત હોય કે, યોગનું જીવનમાં શું મહત્વ અને તેની લોકજાગૃતિના પ્રયાસો માટે મોડર્ન આર્ટ આવૃત્તિઓ દ્વારા જીક્સો કટીંગ કળાથી ચિત્રો બનાવ્યા છે. આ ઉપરાંત કલાકાર શંભુ મિસ્ત્રી મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ચિત્ર પણ મોડર્ન આર્ટથી બનાવી ચૂક્યા છે. જોકે, કલાકાર શંભુ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, હવે જીક્સો કટીંગની કલા આઘુનિક મશીન આવતા લુપ્ત થઈ રહી છે.