/connect-gujarat/media/post_banners/029be917376be6577b1982575b9dcf6bbac2e3c86e130657a25641bff31da55a.jpg)
સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોક નજીકથી આઈસર ટેમ્પામાં સરકારી માર્કાવાળા બારદાનમાં ભરેલા ઘઉં અને ચોખાનો જંગી જથ્થો મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં પતરાવાળી ચોક નજીક સીટી મામલતદારની ટીમે 19,200 કિલો ઘઉં અને 12,000 કિલો ચોખા ભરેલ મુદ્દામાલ સાથે આઈસર ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં GCILના માર્કાવાળા કટ્ટા જપ્ત કરી અનાજનો જથ્થો ક્યાંથી વગે કરાતો હતો, તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
જોકે, આ જથ્થો સરકારે ખેડૂતો પાસેથી ખરીદેલા ટેકાના ભાવના ઘઉં હોવાની લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ હતી. સમગ્ર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન થયું છે, ત્યારે સરકાર દ્વારા જુદાજુદા માર્કેટિંગ યાર્ડમાં કેન્દ્ર શરૂ કરી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર મામલતદાર એન.એચ.પરમાર પોતાની ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન પતરાવાળી ચોક નજીકથી પસાર થતાં એક આઈસર ટેમ્પામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, ત્યારે મામલતદારની ટીમે આઈસર ટેમ્પાને રોકી તપાસ કરતા તેમાં ઘઉંના 384 કટ્ટા અને ચોખાના 240 કટ્ટા મળી આવ્યા હતા. હાલ તો આ અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે યોગ્ય જવાબ અને જરૂરી આધાર પુરાવા ન મળતા તમામ મુદ્દમાલ જપ્ત કરી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.