Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : જામવાડીના પ્રાચીન મંદિરમાં થયેલ ખોદકામ મામલે પુરાતત્વ ખાતું તપાસ અર્થે દોડી આવ્યું

જામવાડી પ્રાચીન મંદિરમાં થયેલ ખોદકામનો મામલો, રાજકોટ પુરાતત્વ ખાતું જામવાડી તપાસ અર્થે આવ્યું.

X

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામ નજીકના મંદિરમાં ખજાનો હોવાની આશંકાએ કેટલાક અજાણ્યા શખ્સોએ ખોદકામ કર્યું હતું. જેમાં શિવલીંગ અને પોઠીયાની જગ્યાએ ખોદકામ કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી, ત્યારે ઘટનાના 72 કલાક બાદ રાજકોટથી પુરાતત્વ વિભાગ ટીમ જામવાડી ગામે તપાસ અર્થે આવી પહોચી હતી.

થાનગઢના જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જુના મુનીની ડેરીના નામે ખોળખાતા અને પુરાતત્વથી રક્ષીત મંદિરમાં ખજાનો હોવાની આશંકાએ કેટલાક અજાણ્યા શખ્સોએ શિવલીંગ અને પોઠીયાની જગ્યાએ ખોદકામ કર્યું હતું. ઐતિહાસીક ધરોહરસમા મંદિરમાં તોડફોડ કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. જોકે, લોકોની આસ્થાને ઠેશ પહોચતા મંદિરમાં શિવલીંગની ફરીથી સ્થાપના કરવામાં આવી હતી.

પરંતુ પુરાતત્વ વિભાગની બેદરકારી સામે લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ અંગેના અહેવાલોના પગલે ઘોર નિંદ્રામાંથી પુરાતત્વ વિભાગ જાગ્યું હતું, જ્યારે બનાવના 72 કલાક બાદ રાજકોટથી પુરાતત્વ વિભાગની ટીમ જામવાડી ગામે તપાસ અર્થે આવી પહોચી હતી.

જામવાડી મંદિરે બનેલા બનાવની તપાસ કરવા આવેલી ટીમને ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં આ બનાવમાં સંડોવાયેલા લોકોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ અંગે રાજકોટ પુરાતત્વ વિભાગના એ.એમ.રામાનુંદે જણાવ્યુ હતું કે, આ બનાવની તપાસ અંગે ઘટના સ્થળની મુલાકાત લઇ રીપોર્ટ બનાવવામાં આવ્યો છે.

જે રીપોર્ટ ગાંધીનગર પુરાતત્વ વિભાગના ડેપ્યુટી કમીશ્નરને મોકલવામાં આવશે. જે આગળના પગલા લેવાનું જણાવશે તે મુંજબ કાર્યવાહી કરાશે. આ દરમ્યાન પુરાતત્વ વિભાગ ટીમ સાથે વિશ્વ હિન્દુ પરિષદના બકુલસિંહ રાણા, બજરંગદળના સત્પાલસિંહ ઝાલા, હરી માલધારી, વાહણ માલધારી સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા.

Next Story