સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મત વિસ્તારના ચારેય તાલુકામાં ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ચારેય તાલુકા ધોલેરા, ધંધુકા, બરવાળા અને રાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા યોજાય હતી. જે બેઠકોમાં મોટી સંખ્યામાં આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો મહિલાઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. મોદી પરિવાર સભા દરમ્યાન કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોએ પણ ભાજપના કેસરિયા કર્યા હતા. ઉમેદવાર ચંદુભાઈ શીહોરાએ લોકોને સતત તેઓ વચ્ચે રહી કામ કરવાની બાંહેધરી આપી હતી, તો મોદી પરિવાર બેઠકોમાં ધંધુકા ધારાસભ્ય કાળુ ડાભી, વિધાનસભા બેઠકના ઈન્ચાર્જ સંયોજક ભૂપતસિંહ ચુડાસમા, મોદી પરિવાર સભા વક્તા સહદેવસિંહ ગોહિલ, ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગર સોલંકી સહિતના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત જનમેદનીએ બહોળી સંખ્યામાં મતદાન કરવા 2 હાથ ઉંચા કરીને સમર્થન આપ્યું હતું.