/connect-gujarat/media/post_banners/8f918a1f90e81a8e578afff1edd9d0ea127631143e830edc0a15e0d958ea4f9d.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળામાંથી ચોટીલા તરફ આવતી પીકઅપ વાનમાં મુસાફરો અંદરો અંદર બાખડતા ખૂની ખેલ ખેલાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર ખાતે યોજાતો ભાતીગળ મેળો માણવા લોકો દુરદુરથી આવતા હોય છે. ઉપરાંત અનેક આ લોકો મેળામાં રોજીરોટી માટે પણ આવતા હોય છે, ત્યારે મેળામાં રોજીરોટી રળવા આવેલા રાજકોટના પીકઅપ વાનના ચાલકને પેસેન્જર સાથે માથાકુટ થતાં મોત મળ્યું હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા અને પીકઅપ વાન ચલાવતા દેવરાજ સોલંકી તરણેતર મેળાથી ચોટીલાનો ફેરો લઇ નીકળ્યા હતા. જેમાં કેટલાક મુસાફરો તરણેતરથી બેઠા હતા, ત્યારબાદ થાનગઢથી વિજય નાથા, નરેશ રમેશ અને જસી નરેશ ચોટીલા આવવા પીકઅપ વાનમાં બેઠા હતા.
થાનગઢથી બેસેલા આ ત્રણેય વ્યક્તિઓએ અન્ય પેસેન્જર સાથે માથાકુટ કરતા ડ્રાઇવર દેવરાજ અને તેના ભાઇ હેમુએ માથાકુટ ન કરવાનું કહેતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. આથી ડ્રાઇવર દેવરાજે ચોટીલાના નાવા ગામ નજીક વાહન ઉભું રાખી ત્રણેયને ઉતરી જવા અને અહી સુધીનું ભાડુ આપી દો તેમ કહેતા વિજય સહીતના ત્રણેય વ્યક્તિઓએ ભાડુ નથી દેવુ, "તમે થાય તે કરી લો" તેમ કહેતા મામલો બીચક્યો હતો. જે બાદ વિજય નાથા, નરેશ રમેશ અને જસી નરેશએ સૌપ્રથમ દેવરાજના ભાઇ હેમુને માર માર્યો, ત્યારે ભાઇને બચાવવા વચ્ચે આવેલા દેવરાજને વિજયે માથાના ભાગે ઇંટના ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી નરેશ રમેશ તથા તેની પત્નિ જસી નરેશને ઝડપી લીધા હતા, જ્યારે વિજય નાથાને મારામારીમાં ઇજાઓ થતાં સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.