/connect-gujarat/media/post_banners/55214c46c780c0bad3dc10319846de2d4d9035772935c5259d1bd796f5c0329a.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગ્રુહ ઉધોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા-મરચાનો સ્વાદ સાત સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે. સાથે જ આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગ્રુહ ઉધોગ દ્વારા 50થી વધુ મહિલાઓને રોજીરોટી પુરી પાડી આત્મનિર્ભર બનાવવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગ્રુહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે. જે ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ તેની માંગ છે. વઢવાણ પંથકમાં શિયાળમાં ઉત્પાદન થતાં મરચાની ખુબ માંગ રહે છે.
વર્ધમાન મહિલા ગ્રુહ ઉદ્યોગ થકી આ મહિલાઓ ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરે છે. જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે 6થી 8 મહિના સુધી સરખો જ રહે છે. મરચાની કિંમત કરતા પાંચ ગણો કુરીયર ચાર્જ ચૂકવીને પણ અમેરીકા, દુબઇ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ મરચા મંગાવે છે. આ મરચાના ઉદ્યોગ સાથે અંદાજે 50થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે દૈનિક 150થી 200 કિલો જેટલું મરચાનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
જોકે, શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 2200થી 2500 કિલો જેટલા મરચાનું વેચાણ ગૃહ ઉદ્યોગની મહિલાઓ કરે છે. જેના થકી રૂપિયા 50 લાખથી વધુની આવક થાય છે. રાયતા મરચાના ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓ દૈનિક રૂપિયા 300થી વધુની આવક મેળવી શકે છે. આમ વર્ધમાન મહિલા ગ્રુહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉદ્યોગ થકી સ્થાનિક મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે. એટલું જ નહીં, વઢવાણના રાયતા મરચાનો સ્વાદ છેક સાત સમંદર પાર સુધી પહોંચાડ્યો છે.