સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ઉદ્યોગના મેનેજરો અને ઉદ્યોગકારો સાથે 19 જેટલા યુનિટો સાથે 800 કરોડના MOU કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા "વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રીકટ"ની થીમ હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાઇબ્રન્ટ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર" કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વેપાર અને ઉધોગને વેગ આપવા તેમજ આર્થિક ક્ષેત્રે મજબુત બને અને જિલ્લાના લોકોને ઘર આંગણે રોજગારી મળી શકે તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર" પ્રદર્શનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કરી સ્ટોલ ધારકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગના મેનેજરો અને ઉદ્યોગકારો સાથે 19 જેટલા યુનિટો સાથે 800 કરોડના MOU કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, નાયબ દંડક જગદીશ મકવાણા સહિત જિલ્લાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર, સહીતના આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.