સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર
પાંચ નરાધમોએ કૃત્યને આપ્યો અંજામ
મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
દુષ્કર્મ બાદ મહિલાનું નીપજ્યું મોત
પોલીસે એક આરોપીની કરી ધરપકડ
સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોમ્પ્લેક્ષના ધાબા પર પરિણીતા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે,જોકે ભોગ બનનાર પરિણીતાનું મોત નીપજ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરમાં ગત તારીખ 7 ઓગસ્ટના રોજ 24 કલાકના અરસામાં શહેરમાંથી ચાર બીન વારસી શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.જેમાં શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પ્લેક્ષના ધાબા પર એક મહિલાની લાશ પણ શંકાસ્પદ હાલતમાં મળી હતી,અને આ મહિલા સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની હોવાનો ખુલાસો થયો હતો. અને મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહની હાલત જોતા દુષ્કર્મની શંકા દર્શાવી હતી. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ત્યાર બાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલ્યો હતો.તેમજ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે પોલીસે આજુબાજુના દુકાનોના સીસીટીવી ચેક કર્યા હતા.જેમાં એક યુવક મહિલાને ઉપાડી રાતના સમયે કોમ્પ્લેક્ષના ધાબા પર લઇ જતો જોવા મળ્યો હતો.
પોલીસ તપાસમાં આ યુવક પ્રકાશ મનાભાઇ પરમાર હોવાનું ફલિત થયું હતું. પોલીસે પ્રકાશ પરમારની ધરપકડ કરીને આકરી પૂછપરછ હાથ ધરી હતી.અને બીજો આરોપી જુમા ફકીરભાઈ ભાદાણી હોવાની માહિતી મળી હતી,તેમજ દુષ્કર્મ આચરવામાં અન્ય ત્રણ સહિત પાંચ લોકોએ કોમ્પ્લેક્ષના ધાબા પર લઈ જઈ પરિણીતા સાથે દુષ્કર્મ આચરી મોત નિપજાવ્યું હતું.અને પોલીસે ફરાર ચાર આરોપીઓને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.