Connect Gujarat
ગુજરાત

પાકિસ્તાનની જેલમાં કેદ સુત્રાપાડાના માછીમારનું મોત, 1 મહિના સુધી પરિજનોને જાણ પણ નહીં કરાય...

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો, ત્યારે માછીમાર ભારત પરત જીવીત તો ન આવ્યો, પરંતુ તેના મોતના સમાચાર પણ પરિજનોને એક મહિના બાદ મળ્યા છે. જોકે, સરકાર કોઈ પણ હોય પરંતુ મોતનો મલાજો નહીં જળવાતા અન્ય માછીમારોમાં આક્રોશ ફેલાયો છે.

ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તી કરશન સોલંકીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું છે, તેવા સમાચાર મોતના એક મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ માછીમારનું મોત એક મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં થયુ હતું, જ્યારે પરીવારજનોએ ફિશરીઝ કચેરીએ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો હતો. ગત વર્ષ 2020ની ફેબ્રુઆરીમાં પોરબંદરની રસુલ સાગર નામની માછીમારી બોટમાં માછીમારી દરમ્યાન ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમાર જેન્તી સોલંકીનું અપહરણ કરીને જેલમાં રાખવામાં આવ્યો હતો.

કોરોના મહામારી પહેલા પાકિસ્તાન જેલમાંથી માછીમારોના પરિવારજનો પત્ર વ્યવહાર તેમજ ક્યારેક જરૂરી સમયે ફોનથી પણ વાતચીત અને ખબર-અંતર જાણતા હતા. પરંતુ હવે પત્ર અને ફોન વ્યવહાર પણ બંધ થયા છે, ત્યારે હવે 500થી વધુ માછીમારો જે પાકિસ્તાન જેલમાં કેદ છે, તેમના પરિવારો પણ ચિંતિત બની સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે હાલ તો માછીમારનો મૃતદેહ પાકિસ્તાનથી વાઘા બોર્ડર ભારતીય ફિશરીઝ વિભાગના અધિકારીઓને અને ત્યારબાદ મૃતદેહ તેના પરીવારને સોંપવામાં આવશે.

Next Story