Connect Gujarat
ગુજરાત

તાપી : ડોસવાડા ગામે પોલીસ પર હુમલાની ઘટના, રેન્જ આઇજીએ લીધી સ્થળની મુલાકાત

X

તાપી જિલ્લાના સોનગઢના ડોસવાડા ગામે હીંદુસ્તાન ઝીંક કંપનીની પર્યાવરણીય સુનાવણી દરમિયાન સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ડીવાયએસપી સહિત સાત પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી રેન્જ આઇજીએ સ્થળની મુલાકાત લીધી હતી.

સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે હીંદુસ્તાન ઝીંકના પ્લાન્ટ સામે સ્થાનિકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે. સોમવારના રોજ કંપની તરફથી પર્યાવરણીય લોક સુનાવણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. સુનાવણી શરૂ થાય તે પહેલાં ડોસવાડા અને આસપાસના 45 થી વધુ ગામના હજારો લોકો વિરોધ કરવા માટે એકત્ર થઇ ગયાં હતાં. દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પથ્થરમારો થયો હતો. જેમાં ડીવાયએસપી સહિત સાત જેટલા પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી.

ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ તથા ટીયરગેસના સેલ છોડયાં હતાં. બનાવની ગંભીરતા પારખી રેન્જ આઇજી રાજકુમાર પાંડીયન, તાપીના એસપી સુજાતા મજમુદાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મંગળવારે સ્થળની મુલાકાત લીધી હતી. રેન્જ આઇજી રાજકુમાર પાંડીયને જણાવ્યું હતું કે, 45 ગામોના આગેવાનો, હીંદુસ્તાન ઝીંક કંપની અને જીપીસીબીના અધિકારીઓની સંયુકત બેઠક યોજવામાં આવશે અને તેમાં લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ પોલીસ કાફલા પર હુમલો કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Next Story