Connect Gujarat
ગુજરાત

આફતરૂપી ચક્રવાત બિપરજોયની ઘાત સામે રાજ્યના વહીવટી તંત્રએ કુશળતાપૂર્વક બાથ ભીડી, ઠેર ઠેર બચાવ-રાહત કામગીરી કરી...

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને તમામ મદદ કરવા પ્રશાસન પ્રયાસરત છે.

X

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને તમામ મદદ કરવા પ્રશાસન પ્રયાસરત છે. માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદથી ફસાયેલ 16 શ્રમિકોનું માંડવી પોલીસે રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા છે. ભારે વરસાદથી દૂર્ગાપુરના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેની પોલીસને જાણ થતાં પોલીસે વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતું જેથી પોલીસે 2 કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઓપરેશનમાં 9 બાળકો 4 મહિલા અને 3 પુરુષોને સહી સલામત રીતે શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા.

તો બીજી તરફ, કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પૂર્વવત કરવા વહિવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ભુજ શહેરમાં માંડવી રોડ પર ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. વુડ કટર, જેસીબી વગેરે મશીનરી- સાધનોની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

આ તરફ, બિપરજોય વાવાઝોડાના કારણે પ્રભાવિત થયેલા કચ્છ જિલ્લાના નલિયામાં પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ નં-5 દ્વારા નલિયા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરી માર્ગ પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હવે વાત જામનગર જિલ્લાની, તો જામનગરમાં પણ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં સ્થિતિ પૂર્વવત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરી વિસ્તારમાં 26 જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થયાં છે, ત્યારે ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા આધુનિક સાધનો સાથેની અનેક ટીમો ફિલ્ડ પર સતત કાર્યરત છે. આ ટીમો દ્વારા સ્થિતિ પૂર્વવત કરવાના તમામ પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાં સ્થિતિ પૂર્વવત કરવા રાજ્યભરમાં પ્રશાસન કાર્યરત છે, ત્યારે પોરબંદર જિલ્લામાં દરિયાની રેતી ઉડીને માધવપુર બીચ પાસે નેશનલ હાઇવે પર જામી જતા માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા 2 લોડર, 2 જેસીબી, 3 ડમ્પર અને એક ટ્રેકટર દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

તો બીજી તરફ, બિપરજોય વાવાઝોડાની મોટી આફતનો ગુજરાતે મકકમતાથી મુકાબલો કર્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા પ્રશાસને કુશળતાપૂર્વક સંભંવિત અસરગ્રસ્તોનું સ્થળાંતર કર્યું છે. જેના પરિણામે મોટું નુકશાન ટાળી શકાયું છે. પોરબંદર જિલ્લા કલેક્ટરે આ આફતનો કેવી રીતે સામનો કર્યો તેની વિગતો બયાન કરી હતી.

Next Story