ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ ની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણીપંચની 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠક યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશન માં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબત પણ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર સુધારણા કાર્યક્રમ થયો છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા મતદાર યાદી, મતદાન મથકો, સંવેદનશીલ મથકો અને સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે અંતિમ મતદાર યાદી બાબત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે 10 ઓક્ટોબર 2022ની આસપાસ અંતિમ મત યાદી જાહેર કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે 2022ની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન પ્રથમ વાર ગુજરાત આવી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની સીધી નજર હવેથી ગુજરાતની ચૂંટણી પર રહેશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત અગાઉ જ રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યાને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે. જ્યારે ગાંધીનગર કલેક્ટર તરીકે ગાંધીનગર DDO ડો. સુરભી ગૌતમ ને ચાર્જ સોંપાયો છે.