અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન-ગીર સોમનાથ દ્વારા ભગવાન ભાલ્કેશ્વર તેમજ દાદા સોમનાથના ચરણોમાં મહારાસની કુમકુમ પત્રિકા અર્પણ કરી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજા ધિરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ 16,108 અખિલ ભારતીય આહીરાણી મહારાસ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતના દરેક ગામડાઓ તેમજ શહેરમાંથી સમસ્ત આહીર સમાજની બહેનો દ્વારા ભવ્ય રાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાનને આમંત્રણ પણ આ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથની બહેનો દ્વારા સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી ભગવાન ભાલ્કેશ્વર તેમજ સોમનાથ દાદાને આમંત્રણ આપવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોઢવા ગામેથી વેરાવળ ભાલકા મંદિર સુધી 100 ટ્રેક્ટર તેમજ કાર સાથે ભવ્ય રેલી યોજાય હતી. ભગવાન દ્વારકાધીશના જય નાદ તેમજ ડીજેના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારબાદ ભાલકા મંદિર પહોચી મહારાસની કુમકુમ પત્રિકા ભગવાન ભાલ્કેશ્વરના ચરણોમાં અર્પણ કરી આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમનાથ દાદાને પણ આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી. જે બાદ વીર સપૂત આહીર દેવાયત બાપા બોદર કે. જેઓએ પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું હતું, તેવા વીર સપૂત દેવાયત બાપા બોદરની પ્રતિમા પાસે પણ મહારાસની કુમકુમ પત્રિકા અર્પણ કરી આમંત્રણ પાઠવાયું હતું.