અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવસારીમાં વસતા પારસી સમુદાય દ્વારા અગિયારી ખાતે પોતાના આતશ બહેરામમાં જઈને સુખડ અર્પણ કરી ખુશાલીના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આમ તો, નવસારીને પણ પારસીઓનું 'અયોધ્યા' જ માનવામાં આવે છે. અહી વર્ષોથી વસેલા પારસી સમુદાયએ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે. નવસારી બાદ સૌથી વધુ પારસીઓ મુંબઈ, સુરત અને ઉદવાડામાં વસ્યા છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની દેશવાસીઓ પોતાના ધર્મ અનુસાર અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ ઉત્સાહમાં પારસીઓએ પણ આ પ્રસંગને યાદગાર બનાવ્યો છે. નવસારીના તરોટા બજારમાં આવેલી અગિયારીમાં ખુશાલીનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ભારતભરના પારસી ધર્મસ્થાનોમાં દિવાબત્તી કરી હતી. પારસીઓના અગિયારીઓમાં ધર્મગુરુઓએ આ પ્રસંગે ખુશાલીના જશ્ન નામની ધાર્મિક વિધિ યોજી હતી. પારસીઓ હિન્દુઓના અનેક દેવી-દેવતાઓની પણ પૂજા કરે છે, અને તેઓને આદર આપે છે. શ્રીરામ હિન્દુઓના સર્વોચ્ચ સ્થાને પામેલા આરાધ્યદેવ છે, જેને ભગવાન શ્રીરામના નામે પૂજવામાં આવે છે. અનેક વર્ષો બાદ રામલલ્લા પોતાના નિજધામમાં પધાર્યા છે, ત્યારે દરેક ધર્મના લોકો આ ઉત્સવને પોતાની રીતે ઉજવી રહ્યા છે. જેમાં પારસી સમાજનો પણ સમાવેશ થયો છે.