Connect Gujarat
ગુજરાત

કચ્છ : અંજારમાં વૃદ્ધ દંપતીના ઘરે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, મોજશોખ માટે લૂંટારુઓએ ચલાવી હતી લૂંટ...

લૂંટમાં સામેલ અન્ય 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા પોલીસ ટીમ કામે લાગી છે.

X

અંજાર શહેરની જૈન કોલોનીમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

એકલા રહેતા વૃદ્ધ દંપતી પાસે ચપ્પુની અણીએ થયેલી લૂંટ

લૂંટની ઘટનામાં સામેલ 4 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ

લૂંટનો માલ લેનાર-વહેંચનાર શખ્સને પણ પોલીસે ઝડપ્યો

અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન

કચ્છ જિલ્લાના અંજારમા એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણીએ લૂંટ કરનાર આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે. લૂંટ કરનાર એક શખ્સ સહિત લૂંટનો માલ લેનાર અને વહેંચનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના અંજારમાં 2 દિવસ પહેલા રાત્રે જૈન કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણીએ લૂંટ કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. લૂંટમાં સામેલ એક શખ્સ સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે લૂંટમાં સામેલ અન્ય 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા પોલીસ ટીમ કામે લાગી છે.

આરોપીઓએ મહિલા પાસે લૂંટ માટે રેકી કરાવી હતી. જેમાં અંજારની જૈન સોસાયટીમા ભોગ બનનાર દંપતી એકલું રહેતું હોવાનું ધ્યાને આવ્યા બાદ લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો. જોકે, પોલીસે લૂંટમાં સામેલ સૌરભ વિષ્ણુ ઝા તથા ચોરીનો માલ વહેંચવા-ખરીદવામાં મદદ કરનાર જેકી યોગેશગીરી ગોસ્વામી, ધર્મેશ દિપેશ સોની, અશોક મારૂતિ પવારની ધરપકડ કરી છે. પૂર્વ કચ્છ પોલીસ વડાએ મહત્વની વિગતો જાહેર કરતાં જણાવ્યુ હતું કે, આરોપી એક મહિનાથી લૂંટનો પ્લાન ધડી રહ્યા હતા, જેમાં નયના મહેશ પ્રજાપતિએ રેકી કરી માહિતી આપી હતી કે, જૈન કોલોનીમાં એક દંપતિ એકલું રહે છે.

આ લૂંટમાં નયના પ્રજાપતી તથા ઇબ્રાહીમ હુશેન કકલ સહિત એક અજાણ્યા શખ્સની સંડોવણી પણ ખુલી છે. જે ફરાર છે, જેઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ બાદ સોનાના દાગીના આરોપીએ વહેંચી નાંખ્યા હતા. જે મુદ્દામાલરૂપે પોલીસે કબ્જે કર્યો છે. લૂંટમાં સામેલ આરોપી પૈકી સૌરભ સામે અગાઉ અંજાર, ગાંધીધામ અને મુન્દ્રામાં 6 ગુન્હા તથા તથા ઇબ્રાહીમ સામે અગાઉ 3 ગુન્હા નોંધાયેલા છે. જેમાં મોજશોખ માટે લૂંટારુઓએ લૂંટ અને ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો અંજાર પોલીસે 4 આરોપીઓને પકડવા સાથે અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story