જુના જમાનાની વસ્તીના આધારે બનાવેલ ગટર જે આજે પણ નવસારી-વિજલપોર પાલિકાના સત્તાધીશો ઉપયોગમાં લઇ રહ્યા છે. શહેરમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી તો શરૂ થઈ છે. પરંતુ ઠેર ઠેર માર્ગ ખોદવામાં આવતા ટ્રાફિકજામ થઈ રહ્યો છે, ત્યારે પાલિકાના આ અણઘડ આયોજનથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ગાયકવાડીના શાશન પૂરું થયાને વર્ષો વીતી ગયા હોવા છતાં નવસારી પાલિકાના શાશકો નવી ગટર યોજનાની શરૂઆત કરી શક્યા નથી, જેના કારણે શહેરીજનોની અગવડતામાં પણ વધારો થયો છે. હાલ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત ડિસેમ્બર માસથી શરૂ કરવામાં આવેલા કામગીરી 10થી 15 દિવસના અંતરમાં પૂર્ણ કરવાની ખાતરી પાલિકા દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં આ કામગીરી પૂર્ણ નહીં થતાં હાલ શહેરના મુખ્ય માર્ગો ખોદીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, આ કામગીરીને પૂર્ણ થતાં હજી એક મહિના સુધીનો સમય લાગી શકે છે, ત્યારે હવે ટ્રાફિક જામથી પરેશાન સ્થાનિકો આ કામ વહેલીતકે પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.