યુવાનોમાં સાહસ, આત્મવિશ્વાસ, શિસ્તના ઘડતરનો સંગમ
ચોટીલા ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું
છઠ્ઠી ચોટીલા આરોહણ–અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્ર એનાયત
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ–અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવેલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે શિયાળાની ઠંડી વચ્ચે ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ–અવરોહણ સ્પર્ધા પૂરાં જોશ, ઉત્સાહ અને ખેલદિલી સાથે યોજાય હતી. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનું પ્રસ્થાન ચોટીલા તળેટી ખાતેથી પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપીને કર્યું હતું.
આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી ૧૪થી ૧૮ વર્ષના કુલ ૩૩૭ જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૨૩૩ યુવકો અને ૧૦૪ યુવતીઓ સામેલ હતા. જોકે, આ સ્પર્ધામાં જુનો રેકોર્ડ તૂટ્યો હતો. ભાઈઓમાં ૭.૦૪ મિનિટના નવા રેકોર્ડ સાથે સાહિલ પ્રથમ ક્રમે રહ્યા, જ્યારે બહેનોમાં ૮.૨૩ મિનિટના રેકોર્ડ સાથે અસ્મિતા કટેશીયાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને રોકડ પુરસ્કારો, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વધુમાં આ વિજેતા ખેલાડીઓ આગામી ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે. પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ જણાવ્યું હતું કે, આ આયોજન માત્ર સ્પર્ધા નથી, પરંતુ યુવાનોમાં સાહસ, આત્મવિશ્વાસ અને શિસ્તના ઘડતરનો સંગમ છે. તેમણે યુવાનોને આળસ, વ્યસન અને બહાનાબાજીથી દૂર રહી જીવનમાં સંતુલન સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.