Connect Gujarat
ગુજરાત

વિશ્વનું એકમાત્ર “સિંહ સ્મારક” : અમરેલીના ભેરાઈ ગામે સિંહનું અનોખુ મંદિર, સિંહ પ્રેમીઓ કરે છે સિંહ ચાલીસાનું પઠન...

તમે દેવી-દેવતાઓના મંદિરો તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે..? નહીં ને..! તો આજે અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લામાં આવેલું સિંહનું મંદિર...

X

તમે દેવી-દેવતાઓના મંદિરો તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે..? નહીં ને..! તો આજે અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લામાં આવેલું સિંહનું મંદિર... તમને આશ્ચર્ય થશે કે, સિંહનું સ્મારક કેવી રીતે હોઈ શકે... વિશ્વ સિંહ દિવસ નિમિત્તે નિહાળો કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

આ હકીકત છે કે, વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશેની વાત કરીએ તો. રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે. જેમ હનુમાન ચાલીસા થાય છે, તેમ જ અહી સિંહ ચાલીસાનું પઠન થાય છે. ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદગીર તરીકે ઓળખાય છે. સિંહ પ્રેમીઓનું કહેવું છે કે, વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે, જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે. અમરેલી જિલ્લાના લોકો પહેલાંથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે. સિંહ પ્રેમીઓને વર્ષ 2014માં સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો. કારણ કે, વર્ષ 2014માં એવી ઘટના ઘટી હતી કે, જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા. અકસ્માતમાં સિંહના મોતની રાજ્યમાં આ પહેલી ઘટના હોવાનું સિંહ પ્રેમીઓનું કહેવું છે. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આગળ આવ્યા અને લોકભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું, ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો, સિંહ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી પૂજન અર્ચન કર્યું હતું.

Next Story