સહારા રણ વિસ્તારના અવિકસિત 4 આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને "કપાસ ચાર દેશોનું જૂથ (Cotton Four Countries)" તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ દ્રારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને દર વર્ષની 7મી ઓક્ટોબરના દિવસને વિશ્વ કપાસ દિવસ (World Cotton Day)ની ઉજવણી કરવા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્વીકારીને વર્ષ 2020-21માં 7મી ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિશ્વના લોકોમાં કપાસમાંથી મળતા કુદરતી રેસાઓની અગત્યતા અને તેની આડ પેદાશો જેવી કે, ખાદ્ય તેલ, ખોળ, કરસાંઠી માંથી બનાવી શકાય તેવી વિવિધ વસ્તુઓ માટે જાગૃતતા લાવવી તેમજ કપાસની ખેતી દ્વારા અવિકસિત દેશોમાં આર્થિક વિકાસ તથા ગરીબી નાબૂદીમાં મદદરૂપ અવિકસિત અને વિકાસશીલ દેશોને કપાસના ઉત્પાદનને વેલ્યુ ચેઇનમાં સાંકળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપારને પ્રોત્સાહિત કરવાનો છે. આજે સમગ્ર વિશ્વમાં કપાસ સાથે સંકળાયેલી વિવિધ સરકારી સંસ્થાઓ,સહકારી સંસ્થાઓ, જીનીંગ ફેક્ટરીઓ, એ. પી.એમ.સી. વિગેરે વર્ષ 2020થી "વિશ્વ કપાસ દિવસ"ની ઉજવણી જુદા જુદા થીમ સાથે કરી રહ્યા છે. 2022ના વર્ષ માટે "કેર અવર અર્થ" થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત ખાતેના કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા તા. 7મી ઓકટોમ્બરના રોજ સવારે 10.00 વાગે કપાસ દિનની ઉજવણી હેઠળ ખેડૂત દિનની ઉજવણી કરવામાં આવનાર છે.
ઐતિહાસિક :
કપાસનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મોહે-જો-દડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા છે. કપાસની વાવણી અંદાજે સાત હજાર વર્ષથી થાય છે. ભારત દેશમાં કપાસનું સ્થાન વર્ષોથી આર્થિકક્ષેત્રે મોખરે રહ્યું છે. આઝાદી પહેલા કપાસ અને ગૃહઉદ્યોગો એકબીજાના પર્યાય હતા. ખેડૂતો/વણકરોની જીવાદોરી કપાસ હતો. અંગ્રેજ શાસનમાં ભારતમાં પેદા થતો દેશી કપાસ બ્રિટનની મીલોને અનુરૂપ ન હતો. ઈગ્લેન્ડની કાપડની મીલોને અનુરૂપ એવા કપાસ માટે સંશોધન કરવા બ્રિટીશરોને ફરજ પડી. અમેરીકન કપાસ જે લંબતારી હતો તેનું ઘણા પ્રયત્નો બાદ ભારતમાં આગમન થયું. આઝાદીના ચળવળના પ્રણેતા અને દુનિયાના મહાન સત્યાગ્રહી નેતા મહાત્મા ગાંધીજીએ પણ ચરખાની મદદથી લોકો સ્વદેશી કાપડ અપનાવે તેવી ઝુંબેશ ચલાવી હતી.
ભારતમાં કપાસ :
આઝાદી પહેલાના કાળમાં સમગ્ર દેશમાં દેશી કપાસની બોલબાલા હતી અને ઘરે-ઘરે હાથ ચરખા પર વણાયેલી ખાદી તેમજ કાપડના વપરાશનું ચલણ હતું. કપાસ સંશોધનને કારણે ધીમે-ધીમે દેશી જાતોનું વાવેતર ઓછું થતુ ગયું. અને તેની સામે અમેરીકન કપાસનું વાવેતર વધતું ગયું. બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં અમેરીકન કપાસની જુદી-જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. તેમ છતા મીલોની જરૂરીયાત મુજબના કાપડ માટે ભારતે ઈજિપ્ત/પાકિસ્તાન જેવા દેશોમાંથી લંબાતારી કપાસ આયાત કરવો પડતો હતો. જેથી વિદેશી હુંડિયામણ ખર્ચાતુ હતું. વર્ષ 1921ના ઈન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો. દેશમાં અનેક સ્થળોએ કપાસના સંશોધન કેન્દ્રો કાર્યતર થયા. પરિણામે દેશમાં અમેરીકન કપાસની જાતોની બોલબાલા થઈ અને મધ્યમ તારી કપાસનું ઉત્પાદન વધ્યું છે.